વિવિધ સહાયકારી યોજનાના લાભાર્થીને કિટ વિતરણ કરવામાં આવી…
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભો ગામેગામ સુધી પહોંચે એ હેતુથી વિવિધ સહાયકારી યોજનાઓના માર્ગદર્શન સાથેના વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનું નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અંતરિયાળ એવા સતીમાળ અને ચોંઢા ગામે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલાના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ યાત્રા દરમિયાન વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પીએમ કિસાન વય યોજના, પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ , વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ યોજના જળ જીવન મિશન યોજના અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓના માર્ગદર્શન માટે પ્રદર્શન સ્ટોલ દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગામના લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કરી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે ગામના તેજસ્વી તેમજ વિશેષ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામના મહિલા મંડળોએ લોકજાગૃતિ હેતુ રાષ્ટ્રપ્રેમ તેમજ આરોગ્ય અને સુખાકારીના સંદેશા સાથે ધરતી બચાવો જીવન બચાવો જેવા વિષય પર નાટક, દેશભક્તિ ગીત, સ્વચ્છતાની થીમ પર ગરબો, ક્વિઝ સ્પર્ધા,લોકનૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી મનોરંજન પૂરું પાડ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વાંસદા તાલુકાના શુભારંભ અવસરે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલાએ પોતાના વક્તવ્યમાં ઘર આંગણે પધારેલી સરકારના વધામણા સાથે ગ્રામજનોને સરકારી સહાયકારી યોજનાનો મહત્તમ લાભ લઈ વાંસદા તાલુકાના તમામ ગામો વિકસિત ગામો બને એવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વાંસદા તાલુકા પ્રમુખ શ્રીમતી દીપ્તિબેન, પ્રાંત અધિકારી શ્રી ડી આઇ પટેલ. મામલતદાર શ્રી મહેશભાઈ રબારી, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્રસિંહ પરમાર , અન્ય તમામ વિભાગના અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સામાજિક કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકસિત ભારતના સંકલ્પ માટે સમૂહમાં શપથ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા