ડાંગના રાજવીશ્રીઓનુ યથોચિત સન્માન સાથે આહવા ખાતે ચાર દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ :
અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથારે ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું હતું.
આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા શ્રી સુથારે રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા, અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ આ વેળા ઉમેર્યુ હતુ.
પોતાના પ્રાસંગિક વક્તવ્યમા ડાંગ દરબારનો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીશ્રીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરી હતી. શ્રી સુથારે ડાંગ દરબારના મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો.
ખૂબ જ સાદગીપૂર્ણ રહેણીકરણી ધરાવતા ડાંગ જિલ્લાના રાજવીઓની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને, ડાંગ દરબારના આ ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ડાંગના માજી રાજવીશ્રીઓનુ યથોચિત સન્માન કરાયુ હતુ. પ્રત્યુત્તરમા ડાંગના રાજવીશ્રીઓએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી, સન્માન કર્યુ હતુ. રાજવીશ્રીઓને સ્વર્ણમુદ્રા સહિત પરંપરાગત પાનસોપારી, શાલ, અને સ્મૃતિભેટ અર્પણ કરાઈ હતી.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદે સૌને ડાંગ દરબારમા આવકારી, હોળી-ધૂળેટીના તહેવારોની શુભકામના પાઠવી હતી. ડાંગ દરબારના રંગારંગ ઉદ્દઘાટન સમારોહમા ઉપસ્થિત રહેલા જનમેદનીને અહી ડાંગની સાંસ્કૃતિક ઝલક રજુ કરતા ડાંગી નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા.
લોકસભાની ચૂંટણી આચાર સંહિતાને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા, નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમા નિકળેલી રાજવીશ્રીઓની સવારી દરમિયાન, તેમણે પ્રજાજનોનુ અભિવાદન ઝીલ્યુ હતુ.
ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમના સાક્ષી બનવા માટે અગ્રણી નાગરીકો, વ્યકિત વિશેષ, મહાનુભાવો, સ્થાનિક પ્રજાજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા કલાકારો, મીડિયાકર્મીઓ, અને ડાંગના દરબારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આહવાના રંગ ઉપવન ખાતે આયોજિત ડાંગ દરબારના ઉદ્દઘાટન સમારોહના કાર્યક્રમની આભારવિધિ પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાએ આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે શ્રીમતી બીજુબાલા પટેલ, અને વિજયભાઈ ખાંભુએ સેવા આપી હતી.
ઉલ્લેખનિય છે કે, ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ વેળા માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરવામાં આવી હતી.
-ડાંગ દરબાર લોકમેળામાં ડાંગ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે લોકોને પેમ્પલેટનું વિતરણ કરાયુ:
(ડાંગ આહવાના આંગણે યોજાઇ રહેલા ‘ડાંગ દરબાર’નાં ભાતિગળ લોકમેળામાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા, મેળામાં આવતા લોકોમાં ટ્રાફીક જાગૃતિ આવે તે માટે પેમ્પલેટનું વિતરણ કરવામા આવ્યુ હતું.
આ સાથે જ મેળામા ટ્રાફીક જાગૃતિના બેનરો લગાડી, લોકોને ટ્રાફીક નિયમોથી અવગત પણ કરાવાયા હતા.
–
ડાંગ દરબારના ભાતિગળ લોકમેળામાં પીવાના પાણીના શુધ્ધીકરણ માટે આરોગ્ય કર્મીઓની ટીમ તૈનાત કરાઇ. આહવાના આંગણે યોજાઇ રહેલા ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ના મેળામાં સેનીટેશનની કામગીરીને પહોંચી વળવા માટે તથા કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટી નહી નિકળે તે માટે, સાવચેતીના પગલારૂપે સેનીટેશનની કામગીરી, તથા ક્લોરીનેશનની કામગીરી માટે ડાંગ જિલ્લા આરોગ્ય કર્મીઓને તૈનાત કરવામા આવ્યા છે.
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિંમાશુભાઇ ગામિત તરફથી મળેલ માહિતી અનુસાર, આરોગ્ય કર્મીઓ દ્વારા ‘ડાંગ દરબાર’ના મેળાના દિવસો દરમિયાન તમામ કુવાઓનુ દરરોજ નિયમિત કલોરીનેશન કરતા પહેલા પ્રિ-કલોરીનેશન ટેસ્ટ કરી, જરૂરી હોય ત્યારે કલોરીનેશન કરી, પોસ્ટ કલોરીનેશન ટેસ્ટ કરી, તેના રીપોર્ટ કરવા જણાવાયું છે.
આ સાથે જ ‘ડાંગ દરબાર’ ના મેળામા વેચાતી ખાધ્ય પદાર્થની સામગ્રીઓનું સેનીટેશન તેમજ હાઇજેનીક દષ્ટ્રિએ પણ નિયમિત અને અસરકારક કામગીરી માટે તંત્રને સાબદુ કરાયું છે.
-ડાંગ દરબાર મેળામાં પ્રાથમિક ઉપચાર કેન્દ્રોની વ્યવસ્થા કરાઇ :: આહવાના આંગણે યોજાઇ રહેલા ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ ના ભાતિગળ લોકમેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. જે પરિસ્થિતિને ધ્યાને લઇ ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રાથમિક ઉપચાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામા આવી છે.
ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિંમાશુભાઇ ગામિત દ્વારા મળેલ માહિતી અનુસાર, આ પ્રાથમિક ઉપચાર કેન્દ્રોમા એમ.બી.બી.એસ. તેમજ આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર સહિત જરૂરી આરોગ્યકર્મીઓની સેવા ઉપલબ્ધ કરાવવામા આવી છે.આ ઉપરાંત સંભવિત રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ, આરોગ્ય કર્મીઓ દ્વારા આરોગ્ય ચકાસણીની કામગીરી પણ કરવામા આવશે.
‘ડાંગ દરબાર’ મેળા દરમિયાન આહવાનાં પેટ્રોલ પંપ સામે-વઘઇ ચાર રસ્તા પાસે A ટીમ, તથા આહવાના નવાપુર ચાર રસ્તાના પાર્કીગં પાસે B ટીમ તૈનાત રહેશે
TODAY 9 SANDESH NEWS
રીપોર્ટ -અમિત મૈસુરીયા
–