![](https://www.today9sandesh.com/wp-content/uploads/2022/07/images5023973311291797760.jpeg)
![](https://www.today9sandesh.com/wp-content/uploads/2022/07/images6019559068954896364..jpg)
![](https://www.today9sandesh.com/wp-content/uploads/2022/07/2damm8e7748275587858388955.jpg)
“આ ચીજ બળશે પણ નહિ અને પીગળશે પણ નહિ” ૮૦ના દશકમાં જયારે પ્લાસ્ટિકએ જયારે કાપડની થેલી, શણની બેગ અથવા કાગળના પરબીડિયાનું સ્થાન લઇ લીધું ત્યારે તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા.
જુદા જુદા રંગોમાં, જુદી જુદી સાઈઝમાં, ગમે તેટલું વજન નાખો ફાટવાના ભય વિના, ગરમ ગરમ ચા, કોફી અને શાકભાજી સાચવતી, વરસાદમાં સામાનને ભીના થવાથી બચાવતી, વીજળીની અવાહક, વજનમાં અત્યંત હલકી, અને દેખાવમાં અત્યંત આકર્ષક અને ભાવમાં સસ્તી; આ ચીજ જાદુ સમાન હતી. સૌની પ્રિય એવી આ પ્લાસ્ટિક થેલીઓ વખત જતા મનુષ્યો નહિ પણ સમગ્ર પર્યાવરણ માટે એક મોટો શ્રાપ બનવા ની શક્યતા છે. તેનો ગુણ “બળશે નહિ અને પીગળશે નહિ” વિશ્વ માટે એક મોટો માથાનો દુખાવો બન્યો આજે આપણે સામાન લેવા માટે જે થેલીનો અડધો કલાક માટે ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ તે થેલી હજારો વર્ષ સુધી નષ્ટ થતી નથી અને પોતાની આસપાસ ઝેરી તત્વો છોડ્યા કરે છે.
વિશ્વભર આ પ્લાસ્ટિકની હાનિકારક અસરોની સમજણ આવ્યા બાદ સૌ દેશોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની કવાયત હાથ ધરી છે. ૨૦૧૮માં ભારતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું આહ્વાન કર્યું હતું અને અત્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે પણ હકીકત એ છે કે આ પ્રતિબંધને પાળવા માટે લોકોના સાથ સહકારની પણ એટલી જ જરૂર છે કારણ કે પ્લાસ્ટિક આજે આપણી દિનચર્યાનો ભાગ બની ગયું છે.વિશ્વના ૧૨૭ દેશોએ પ્લાસ્ટિક થેલીઓ પર પ્રતિબંધ લાદેલો છે. ૨૭ દેશો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદેલો છે.
આપણી આસપાસની લાઈટ સ્વીચ,ટોયલેટ સીટ, ટુથબ્રશ, ટુથપેસ્ટ ટ્યુબ જેવી ૧૯૬ વસ્તુઓ પ્લાસ્ટિકની બનેલી છે. આમ પ્લાસ્ટિકને જીવનમાંથી કાઢી નાખવી ખુબ અઘરી છે અને તેનો બહિષ્કાર કરવા માટે તેની પર પ્રતિબંધ અને દંડ કરતા વધુ જરૂરી એ છે કે તેના દુષ્પ્રભાવો વિષે લોકોમાં જાગરૂકતા ફેલાય.
જો તેને બાળવામાં આવે તો તે હવામાં ઝેરી ઘટકો ઉત્સર્જીત કરે છે
જો તેને માટીમાં દાટી દેવાય તો તે હજારો વર્ષો સુધી એમનું એમ રહે છે અને ધીમે ધીમે ઝેરી દ્રવ્યોમાં ફેરવાય છે
જો તેને દરિયામાં ભેળવી દેવાય તો તે પાણીને પ્રદુષિત કરીને દરિયાઈ જીવ સૃષ્ટિને હાનિ પહોંચાડે છે.
તેનું રીસાઈકલીંગ કરવા માટે તેને પીગાળવું પડે છે અને રીસાઈકલીંગથી બનેલી પ્રોડક્ટ સારી ગુણવત્તાની હોતી નથી.
પ્લાસ્ટિકની બોટલો કે પછી ઝેરની શીશીઓ? દર મીનીટે ૧૦ લાખ બોટલો ખરીદાય છે જેમાંથી ૫૦% બોટલો કચરામાં પરિવર્તિત થાય છે. ઘણી સીરપ, ટોનિક અને દવાઓ પણ પ્લાસ્ટિકની બોટલોમાં વેચાય છે. આ દવાઓના ગુણો ઉપર પણ પ્લાસ્ટિકની અસર વર્તાય છે.
અમિત મૈસુરીયા