
જન જાતિ ગૌરવ યાત્રા – 2025 દરમિયાન વહેવલ ગામની રિદ્ધી પટેલનું સન્માન
આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન જાતિ ગૌરવ યાત્રા – 2025 અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે આવેલા જ્ઞાન કિરણ ધોડિયા સમાજની વાડી હોલ ખાતે યોજાયેલી ભવ્ય સભામાં આ યાત્રા અંતર્ગત અનેક આદિવાસી પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ (લોકસભા દંડક), ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી જયરામ ગામીત તથા ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ સહિત અનેક મહાનુભાવો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ગુજરાત સરકાર દ્વારા યુવાઓની પ્રતિભાને ઉજાગર કરવા માટે દર વર્ષે યોજાતી કલામહાકુંભ સ્પર્ધામાં રાજ્યકક્ષાની ભરતનાટ્યમ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવનાર આદિવાસી સમાજની પ્રતિભાશાળી દિકરી રિદ્ધી કલ્પેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
રિદ્ધી પટેલ, સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વહેવલ ગામની વતની છે અને હાલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આવેલી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. તેમણે વિવિધ નૃત્ય સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ અનેક પારિતોષિકો મેળવી પોતાની પ્રતિભાનું ડંકો વગાડ્યો છે અને વહેવલ ગામ સહિત સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.
રિદ્ધી પટેલના આ સન્માનથી સમગ્ર વહેવલ ગામમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
TODAY 9 SANDESH NEWS
