
ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ સંબંધિત ઓથોરિટીએ ચીનની મોબાઇલ ફોન કંપની શાઓમીની રૂ.૫,૫૫૧ કરોડની ડિપોઝિટ જપ્ત કરવાના આદેશને મંજૂરી આપી છે. EDએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમ ‘ફ્રીઝ’ કરવાનો આદેશ અપાયો છે.
તપાસ એજન્સીએ શાઓમી પર શાઓમી ગ્રૂપની એક કંપની અને અમેરિકા સ્થિત બે કંપનીને રોયલ્ટીના બહાના હેઠળ રૂ.૫,૫૫૧.૨૭ કરોડની સમકક્ષ વિદેશી કરન્સી મોકલવાનો આરોપ મૂક્યો હતો.
EDએ પહેલાં ૨૯ એપ્રિલે કંપનીની બેન્ક થાપણ ફ્રીઝ કરવાનો આદેશ જારી કર્યો હતો અને ત્યાર પછી એ પત્ર સંબંધિત ઓથોરિટીની મંજૂરી માટે મોકલ્યો હતો. દેશમાં ફોરેક્સના નિયમોનો ભંગ કરતી નિયમન સંસ્થાના કાયદા હેઠળ આ પ્રક્રિયા જરૂરી છે. સંબંધિત ઓથોરિટીએ શાઓમી ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે FEMA હેઠળ રૂ.૫,૫૫૧.૨૭ કરોડની જપ્તીના આદેશને મંજૂરી આપી હતી.
FEMA હેઠળની ઓથોરિટી કેન્દ્ર સરકાર દ્વારા નીમાયેલો અધિકારી છે, જે કાયદા હેઠળ ED દ્વારા જારી કરાયેલા જપ્તીના આદેશનું મૂલ્યાંકન કરે છે. આવા અધિકારીનો રેન્ક જોઇન્ટ સેક્રેટરીની સમકક્ષ અથવા તેનાથી ઊંચો હોય છે. શાઓમી ઇન્ડિયા દ્વારા રૂ.૫,૫૫૧.૨૭ કરોડની રકમ ગેરકાયદેસર રીતે ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવી હોવાની વાતની EDએ પુષ્ટિ કરી હતી. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ રકમ ગ્રૂપ એન્ટિટી વતી ભારત બહાર રાખવામાં આવી છે, જે FEMAની કલમ ૪નું ઉલ્લંઘન છે.
Report: TODAY 9 SANDESH NEWS