(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫: ગત તા.૧૭ મી મે, ૨૦૨૧ ના દિવસે ડાંગ જિલ્લાનો હવાલો સંભાળનાર કલેકટર શ્રી ભાવિન પંડ્યાની રાજ્ય સરકારે મહીસાગર જિલ્લા કલેકટર તરીકે બદલી કરતા, ડાંગના આ લોકલાડીલા કલેક્ટરશ્રીને મહેસુલી પરિવારે ભાવભિની વિદાય આપી હતી.
જે તે વખતે ડાંગ જિલ્લાને ‘કોરોના મુક્ત’ કરવાના લક્ષ નિર્ધાર સાથે કાર્યભાર સંભાળનારા કલેક્ટરશ્રીએ તેમના ખૂબ જ ટૂંકા ગાળાના કાર્યકાળ દરમિયાન, સૌ અધિકારી પદાધિકારીઓના સુમેળભર્યા સંકલન સાથે, જિલ્લાના કાર્યોને ગતિ પ્રદાન કરી હતી.
દોઢ વર્ષથી પણ ઓછા સમયમા કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ સૌ કર્મચારી, અધિકારી, પદાધિકારીઓ, અને પ્રજાજનોનો વિશ્વાસ સંપાદિત કરી, સૌને સુશાસનનો અહેસાસ કરાવ્યો હતો.
જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી પદ્મરાજ ગાવિત, પ્રાયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભૂસારા સહિતના અધિકારીઓ, મહેસુલી અધિકારી અને કર્મચારીઓએ વિદાય લેતા કલેકટરશ્રીને ભાવસભર વિદાયમાન આપ્યુ હતુ.
ઉલ્લેખનિય છે કે, ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા તેઓની વહીવટી કુશળતા અને સહજ સ્વભાવના કારણે જિલ્લાના નાગરીકોના પ્રિય બન્યા હતા. તેઓની આગવી સુઝબુઝ, અનુભવ અને કુનેહના કારણે જિલ્લામા નાગરિકોના ઘણા પ્રશ્નોનુ હકારાત્મક નિરાકણ થવા પામ્યુ છે.
વિદાય વેળાએ ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, દરેક કર્મચારી પાસે આવતો કાગળ, એ માત્ર કાગળ જ નહી પરંતુ એક વ્યક્તી છે. જેમા નાગરિકની લાગણીઓ, સુખ અને સંતોષ સમાયેલુ છે. ગુડ ગવર્નન્સ તરીકે આપણે અભિગમ બદલી, નાગરીકોના જીવનમા સુખદ પરિવર્તન માટે પ્રયત્નશીલ રહેવુ જોઇએ. કર્મચારીઓને સંદેશ આપતા શ્રી ભાવિન પંડ્યાએ, એક સેવક તરીકે નાગરીકોના પ્રશ્નનુ હકારાત્મક નિવારણ કરીએ તો કામનો સંતોષ મળે છે, તેમ ઉમેર્યુ હતુ.
આજે ડાંગ જિલ્લાના આઠ કેન્દ્રો ઉપર યોજાશે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા ;
વિજાણુ યંત્ર લઈ જવા ઉપર પ્રતિબંધ ; સો મીટર વિસ્તારમા ઝેરોક્ષ સેન્ટરો પણ બંધ રહેશે
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: 15: આજે એટલે કે તા.16/10/2022 ના રોજ ડાંગ જિલ્લાના આઠ સેન્ટરો ઉપર ગુજરાત જાહેર સેવા આયોગની નાયબ સેક્શન અધિકારી (વર્ગ-૩) ની ભરતી માટેની પ્રિલીમિનરી પરીક્ષા યોજાનાર છે.
આ પરીક્ષા સંદર્ભે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- 1973ની કલમ 144 મુજબનુ જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.
જે મુજબ સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના (1) દીપદર્શન સ્કુલ-આહવા (2) એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ-આહવા (3) ગર્વમેન્ટ સાયન્સ કોલેજ-આહવા (4) તાલુકા પ્રાથમિક શાળા-વધઇ, (5) ગર્વમેન્ટ પોલીટેકનીક-વઘઈ (6) એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ-સાપુતારા (7) માધ્યમિક અને ઉચ્ચચત્તર માધ્યમિક શાળા-સાપુતારા તથા (8) રૂતુંભરા કન્યા વિધ્યા મંદિર-સાપુતારા યુ-01 ખાતે યોજાનારી આ પરીક્ષા કેન્દ્રોની આસપાસના સો મિટર ત્રિજ્યા વિસ્તારમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે, તથા પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.એ.ગામીતે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.
જે મુજબ પરીક્ષા કેન્દ્રોમા મોબાઈલ, કેલ્કયુલેટર જેવા વિજાણુ યંત્રો સાથે પ્રવેશવા ઉપર પાબંધી ફરમાવવા સાથે, સો મીટર ત્રિજ્યા વિસ્તારના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાની સુચના જારી કરવામા આવી છે. આ ઉપરાંત આ વિસ્તારમા ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા, સભા ભરવા કે બોલાવવા અને સરઘસ કાઢવા, મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે સાધનોનો ઉપયોગ કરવા, તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સુત્રો પોકારવા કે અફવા ફેલાવવાની પણ મનાઈ ફરમાવવામા આવી છે.
પરીક્ષા કેન્દ્રોમા પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઈ અનઅધિકૃત પ્રવેશ કરવો નહી. પરીક્ષા ખંડમા શાંતિપુર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યકિત અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામા ચોરી કરીને/કરાવીને/કરવામા મદદ કરીને અથવા ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ, ખલેલ કે ભય પહોંચે તેવુ કૃત્ય નહિ કરવાની સુચના પણ આપવામા આવી છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ પગલા લેવાની કાર્યવાહી કરવામા આવશે.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે ભૂલકા મેળો યોજાયો ;
(ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: 15: ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ, અને આઈ.સી.ડી.એસ શાખા-આહવા તેમજ ડાંગ જિલ્લા પંચાયત દ્વારા આજે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે ભૂલકા મેળો યોજાયો હતો.
ડાંગ જિલ્લા પંચાયત મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ સિમિતના અધ્યક્ષ શ્રીમતી સારૂબેન એમ વળવીના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ વેળાએ સારૂબેને જણાવ્યુ હતુ કે, વાલીઓ બાળકોની પ્રવુતિઓથી અવગત થાય બાળકો માટે પ્રેરણા શ્રોતા બેન તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ મેળાઓ ખુબ જ જરૂરી છે.
ડાંગ જિલ્લામા યોજાયેલ ભૂલકા મેળામા બાળકોના વિવિધ વેશભૂષા સાથેના નાચગાન કાર્યક્રમમો રજુ કરવામા આવ્યા હતા. બાળકો માટે જુદી જુદી પ્રવુતિઓ કરાવનાર ને બેસ્ટ સર્જનાત્મક એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.
આ મેળામા ડાંગ જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. વિપિન ગર્ગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ જોષી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ. સી. ભુસારા, આંગણવાડી બહેનો તેમજ મોટી સંખ્યામા ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ સમગ્ર સંચાલન ડાંગ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગના વડા શ્રીમતી ભાવનાબેન જીડીયા ના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ હતુ.
“આધાર e-KYC” અને “આધાર સીડીંગ” કરાવવા માટે ની કાર્યપધ્ધતિ;
(ડાંગ માહિતી બ્યુરો ) આહવા: તા : 15: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓનું “આધાર e-KYC” કરાવવા ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયુ છે.
“આધાર e-KYC” કરવાની પધ્ધતિ, (1) OTP મોડ દ્વારા: પીએમ કિસાન પોર્ટલ પર https://pmkisan.govt.in/adharekyc.aspx લીંક મારફત અથવા પીએમ કિસાન એપ પરથી લાભાર્થીઓ દ્વારા “આધાર e-KYC” કરી શકાશે. અથવા (2) બાયોમેટ્રિક ઓર્થેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વિસ સેન્ટર (CSC) માં જઈ લાભાર્થી “આધાર e-KYC” કરાવી શકશે, જેનો ચાર્જ રૂ. 15 લાભાર્થીએ આપવાના રહેશે. પીએમ કિસાન પોર્ટલ “આધાર e-KYC” કરવા માટે https://pmkisan.govt.inપોર્ટલ પર Farmers corner માં આપેલ ઓપ્શન ‘e-KYC” પર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો Aadhar number અને Mobile number દાખલ કઈ Get Mobile OTP પર ક્લીક કરવાનું થાય છે. ત્યાર બાદ Mobile OTP દાખલ કરી Get Aadhar OTP પર ક્લીક કરવું જેથી, આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લીંક હશે તે નંબર પર “Aadhar OTP” આવશે.Aadhar Registered Mobile OTP દાખલ કરી “Submit for Auth” બટન પર ક્લીક કરતા “e-KYCis Successfully Submitted” ડિસ્પ્લે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થશે.
વધુમા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ PM Kisan યોજનામા લાભાર્થી ખેડૂતોને આગામી એપ્રિલ, 2022 થી યોજનાનો લાભ ” આધાર બેઝ્ડ” પેમેન્ટ (લાભાર્થીનું જે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક કરેલ હશે તેમાં પેમેન્ટ) થી આપવામા આવનાર છે.