ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક સરપંચ દ્વારા ભારતીય સેનાનું મનોબળ તોડવાનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે.
વાંસદા તાલુકાના દુબળ ફળીયા ગામના સરપંચ મહેન્દ્ર નગીનભાઈ પટેલ( રહે.દુબળફળીયા તા.વાંસદા જી.નવસારી) એ સોશિયલ મીડિયા પર એક એડિટ કરેલો વીડિયો શેર કર્યો હતો.
આ વીડિયો “ઓપરેશન સીંદુર”ના અનુસંધાને ભારતીય સૈન્યના પરાક્રમને બિરદાવવાના બદલે દેશના નાગરિકોમાં ભય અને ગભરાટ ફેલાવવાના ઇરાદાથી અને ભારતીય સૈન્યના મનોબળને તોડવા પ્રયત્ન કરાયો હતો .જોકે ઉલ્લેખનીય છે કે,પોલીસ દ્વારા તણાવ ભર્યા માહોલને કારણે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે દુબળ ફળીયા ગામનાસરપંચ મહેન્દ્ર નગીનભાઈ પટેલે તારીખ ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૩૯ વાગ્યે ફેસબુકની એક લિંક બનાવી હતી અને તેને પોતાના વોટ્સએપ ગ્રુપ (Enjoy group)માં શેર કરી હતી.
આ વીડિયોમાં “ઓપરેશન સીંદુર”ને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો હતો અને તેમાં જુદા જુદા ધાર્મિક, માનવજાતીય, ભાષાકીય અને પ્રાદેશિક જૂથો વચ્ચે દ્વેષની લાગણીઓને પ્રોત્સાહન મળે તેવું કૃત્ય કરવામાં આવ્યું હતું. આના કારણે જાહેર શાંતિનો ભંગ થવાની અને ભારતના સાર્વભૌમત્વ, એકતા અને સુરક્ષાને જોખમ ઊભું થવાની સંભાવના હતી. આ ઉપરાંત, વીડિયોનો હેતુ લોકોમાં ખોટો ભય અને ગભરાટ પેદા કરવાનો હતો.જેથી વાંસદા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મહેન્દ્ર નગીનભાઈ પટેલની ધરપકડ કરી હતી. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કૃત્ય પાછળ તેમનો શું ઇરાદો હતો અને શું કોઈ અન્ય વ્યક્તિ પણ આમાં સામેલ છે કે કેમ.આ ઘટના એવા સમયે બની છે જ્યારે દેશની સરહદો પર તણાવની સ્થિતિ છે. આવી પરિસ્થિતિમાં એક જવાબદાર નાગરિક અને લોક પ્રતિનિધિ દ્વારા આ પ્રકારનું કૃત્ય અત્યંત નિંદનીય છે. પોલીસે દાખવેલી ત્વરિત કાર્યવાહીથી સમાજમાં ખોટી માહિતી ફેલાવનારા અને દેશવિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વોને કડક સંદેશો મળ્યો છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને દેશની સુરક્ષા અને શાંતિ જાળવવામાં સહકાર આપે.
રિપોર્ટ – અમિત મૈસુરિયા