

ભરૂચ કલેક્ટર ઓફિસ પાસે જ સીઝ કરેલી હાયવા ટ્રક લઈ ફરાર ભૂમાફિયા! કાયદાને કર્યો ખુલ્લો પડકાર કે તંત્રની મૌન સંમતિ?ભૂમાફિયાઓના હિંમતભર્યા કારનામા પર કોની મહેરબાની? તપાસ નો વિષય.
રાત્રિના અંધકારમાં સીઝ કરેલી ગાડી ચાલુ કરી માટી ખાલી કરી પાછી મૂકી ,ભૂસ્તર વિભાગે ખરાઈ તો કરી, પરંતુ પોલીસ ફરિયાદમાં વિલંબ શા માટે? રાજકીય આશીર્વાદની શંકા ગાઢ કે સેટિંગ ડોટ કોમ..
ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓના હિંમતભર્યા કારનામા હવે કાયદા અને તંત્ર માટે ખુલ્લો પડકાર બની રહ્યા છે. તાજી ઘટનામાં ખાણખનિજ (ભૂસ્તર) વિભાગ દ્વારા સીઝ કરાયેલી હાયવા ટ્રકને રાત્રિના સમયે કલેક્ટર કચેરી નજીકથી જ અજાણ્યા લોકો દ્વારા બિન્દાસ રીતે લઈ જવામાં આવી અને શહેરના નર્મદા માર્કેટ નજીક ખુલ્લા પ્લોટમાં માટી ખાલી કરી ફરીથી તે જ સ્થળે મૂકી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર ઘટનાએ માત્ર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું નથી, પરંતુ ભૂમાફિયાઓની હિંમત પાછળ કોઈ મજબૂત રાજકીય અથવા પ્રભાવશાળી આશીર્વાદ હોવાની શંકા પણ ઉભી કરી છે.
: સીઝ કરેલી ગાડી ‘ચોરી’ નહીં, પરંતુ ખુલ્લેઆમ લઈ જવાઈ!
મળતી માહિતી મુજબ ખાણખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે માટી ખનન અને પરિવહનના મામલે GJ-12 CV-6455 નંબરની હાયવા ટ્રક સીઝ કરવામાં આવી હતી. આ ગાડી કલેક્ટર કચેરી નજીક રાખવામાં આવી હતી.

પરંતુ રાત્રિના સમયે કેટલાક શખ્સો GJ-39 CB-6699 નંબરની કાળા કાચવાળી હ્યુન્ડાઈ કારમાં ત્યાં પહોંચ્યા હતા. કારમાં અંદાજે 4 થી 5 લોકો હતા. તેઓએ કોઈ ડર કે સંકોચ વિના સીઝ કરેલી હાયવા ટ્રક ચાલુ કરી અને તેને લઈ જઈ નર્મદા માર્કેટ વિસ્તારના ખુલ્લા પ્લોટમાં માટી ખાલી કરી પાછી તે જ જગ્યાએ મૂકી દીધી હતી.
આ સમગ્ર ઘટના ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકની નજરે ચડી, જેના કારણે આખો મામલો બહાર આવ્યો.
ભૂસ્તર વિભાગે ખરાઈ કરી… પરંતુ ફરિયાદમાં વિલંબ કેમ?
જાગૃત નાગરિક દ્વારા તરત જ ભૂસ્તર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે પ્રાથમિક તપાસ કરી હતી.
ઘટનાસ્થળે અધિકારીએ કેમેરા સામે સ્વીકાર્યું કે ગાડી કરજણના ગોકુલ ભરવાડ નામના વ્યક્તિની હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.
પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આવી ગંભીર ઘટનામાં તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે “બીજા દિવસે ફરિયાદ કરીશું” એવું જણાવવામાં આવ્યું હતું.
પ્રશ્ન એ છે કે:
સીઝ કરેલી સરકારી કસ્ટડીની ગાડી કોઈ લઈ જાય અને ફરી મૂકી જાય – અને તંત્ર તરફ થી કોઈ ફરિયાદ નથી કે કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી.
શું આ માત્ર બેદરકારી છે કે પછી દાળમાં કાળું છે?
તપાસના મહત્વના પ્રશ્નો..
આ સમગ્ર મામલે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે:
આ હાયવા ટ્રક કયા સ્થળેથી પકડાઈ હતી?
ટ્રકમાં ભરેલી માટી કયા ખાણ વિસ્તારમાંથી લાવવામાં આવી હતી?
શું આ માટી માટે માન્ય રોયલ્ટી અથવા પરમિટ હતી?
ટ્રકમાં કેટલા ટન માટી ભરેલી હતી અને કેટલી માટી ની રોયલ્ટી ચૂકવાઈ હતી?
સીઝ કરેલી ગાડીની સુરક્ષા કોણે સંભાળવાની હતી?
રાત્રે ગાડી લઈ જવામાં આવી ત્યારે તંત્ર ક્યાં હતું?
=”ખાણ ખનીજ ના કોઈ અધિકારી ની મહેર થી જ આ ધટના શક્ય બને તો કયા કયા અધિકારી ની મિલીભગત છે એ શંકા અને તપાસ નો વિષય બન્યો !”—– —
જો આ તમામ મુદ્દાઓની પારદર્શક તપાસ થાય તો ઘણા ચોંકાવનારા તથ્યો બહાર આવી શકે એવી શક્યતા છે.
કાયદા નિષ્ણાતોના મત મુજબ આ કેસમાં અનેક ગંભીર કલમો લાગુ થઈ શકે છે, જેમ કે:
IPC કલમ 379 – ચોરી
IPC કલમ 353 – સરકારી કર્મચારીના કામમાં અડચણ
IPC કલમ 186 – સરકારી ફરજમાં વિક્ષેપ
IPC કલમ 120(B) – ગુનાહિત સાજિશ
IPC કલમ 427 – સરકારી સંપત્તિને નુકસાન
તેમજ Mines and Minerals (Development and Regulation) Act, 1957 હેઠળ ગેરકાયદે ખનન અને પરિવહનના ગુના
આ તમામ કલમો લાગુ પડે તો આરોપીઓ સામે કડક ફોજદારી કાર્યવાહી, ટ્રક જપ્તી, દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. જો જવાબદારી પૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પારદર્શિતાથી કરવામાં આવે તો.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે કલેક્ટર કચેરી નજીક સીઝ કરેલી ગાડી કોઈ લઈ જાય અને તંત્રને ખબર પણ ન પડે – શું આ માત્ર સંયોગ છે?
સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આવા કારનામા રાજકીય આશીર્વાદ પ્રભાવશાળી માથાઓ, અથવા તંત્ર ની મિલી ભગત ના હાથ વગર શક્ય નથી. જો આ મામલે કોઈ રાજકીય સંડોવણી હશે તો તે પણ તપાસમાં બહાર આવવી જોઈએ.
સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોની માંગ છે કે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે.
જો ભૂમાફિયાઓ વારંવાર સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે અને કાયદાને પડકાર આપે છે, તો તેમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ માફિયા કાયદાને રમકડું સમજે નહીં.
: “જો સીઝ કરેલી ગાડી પણ રાત્રે ફરવા નીકળી જાય અને સવારે પાછી આવી ઉભી રહે, તો પ્રશ્ન માત્ર ભૂમાફિયાઓની હિંમતનો નથી…”
પ્રશ્ન એ છે કે કાયદાની આંખ પર પટ્ટી છે કે પછી કોઈએ જાણી જોઇને પહેરાવી છે? ઉચ્ચ અધિકારી ઇમાનદારી થી કરશે તપાસ તો મોટું કોંંભાડ બહાર આવશે. સવાલ મોટો આ ધટના ની તપાસ કરશે કોણ? જાગૃત નાગરિક ની તપાસ ની માંગ ઉઠી છે. ———————-
TODAY 9 SANDESH NEWS ——–
-રીપોર્ટ – અમિત મૈસુરીયા
