
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાંસદા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
— વાંસદા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ દિપ્તીબેન પટેલ ના હસ્તે વિકાસને મળ્યો નવો વેગ

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના અવસરે વાંસદા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપતા વિવિધ ગામોમાં આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ખાટાઆંબા, મોળાઆંબા અને ઝુજ ગામોમાં નવા આંગણવાડી મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે સરા, ભીનાર, ઝરી, પીપલખેડ અને લીમઝર ગામોમાં નવા આંગણવાડી મકાનોના ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ રીતે વાંસદા તાલુકાના આંગણવાડી કેન્દ્રો માટે મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ થયો હતો.

આ કાર્યક્રમ વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વિશ્વ મહિલા દિવસના અવસરે તેમણે મહિલાશક્તિના મહત્વ પર ભાર મુકતા જણાવ્યું હતું કે “મહિલા માત્ર પરિવારની શક્તિ નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત આધાર છે.
” મહિલાઓના શિક્ષણ, પોષણ અને સશક્તિકરણ માટે આંગણવાડી કેન્દ્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
કાર્યક્રમમાં ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈ ગાયકવાડ, કારોબારી અધ્યક્ષ તરુણભાઈ ગાંવિત, જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ જાદવ, નવસારી જિલ્લા એસ.ટી. મોરચાના પ્રમુખ સંજય બિરારી સહિત ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આદિવાસી વિસ્તારમાં નવા અને સુવિધાસભર આંગણવાડી મકાનો બનતા સ્થાનિક નાગરિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને બાળકોના પોષણ, આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી કેન્દ્રો ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી ગ્રામજનો દ્વારા આ વિકાસકાર્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા. 9974263350 / 6357031583
