રાજનીતિ અને ન્યાયિક પ્રક્રિયાના મોરચે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત દૂરોગામી અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ફોજદારી (ક્રિમિનલ) કેસોમાં અદાલતમાંથી નિર્દોષ છૂટતા આરોપીઓના કિસ્સામાં તપાસની નબળાઈઓ દૂર કરવા અને જવાબદારી નક્કી કરવા માટે સરકારે એક મહત્વપૂર્ણ ઠરાવ જાહેર કર્યો છે.

આ નવા ઐતિહાસિક નિર્ણયની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

પોલીસ અને સરકારી વકીલ સામે તપાસ: જો કોઈ ફોજદારી કેસમાં અદાલત દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવશે, તો તે કેસની તપાસ કરનાર જવાબદાર પોલીસ અધિકારી (IO) તેમજ કોર્ટમાં સરકાર પક્ષે કેસ લડનાર પબ્લિક પ્રોસિક્યુટર (સરકારી વકીલ) સામે સત્તાવાર તપાસ હાથ ધરવામાં આવશે.

ભૂલ જણાશે તો કડક કાર્યવાહી: જો તપાસ દરમિયાન એવું માલૂમ પડશે કે પોલીસની તપાસમાં (Investigation) કે પ્રોસિક્યુશનની કાનૂની રજૂઆતમાં કોઈ ખામી, બેદરકારી કે ક્ષતિ રહી ગઈ હતી, તો જવાબદાર અધિકારીઓ સામે કડક વહીવટી અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

૪ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના: આવા નિર્દોષ છૂટેલા કેસોની ઝીણવટભરી સમીક્ષા અને મૂલ્યાંકન કરવા માટે સરકાર દ્વારા એક વિશેષ ચાર સભ્યોની હાઈ-પાવર કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નીચે મુજબના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરાશે:

ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન (Director of Prosecution)

ડીજીપી – લો એન્ડ ઓર્ડર (DGP – Law and Order)

ગૃહ વિભાગના નાયબ સચિવ કક્ષાના પ્રથમ અધિકારી

ગૃહ વિભાગના નાયબ સચિવ કક્ષાના દ્વિતીય અધિકારી

ગૃહ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ કડક પગલાં પાછળનો મુખ્ય હેતુ એ છે કે, કોઈ નિર્દોષ વ્યક્તિને ખોટા કેસમાં લાંબો સમય જેલના સળિયા પાછળ ન સડવું પડે અને ગુનેગારો પોલીસ કે વકીલની સામાન્ય ભૂલ અથવા નબળી તપાસના કારણે કાયદાની પકડમાંથી છૂટી ન જાય. આ નિર્ણયથી આગામી દિવસોમાં પોલીસ ઈન્વેસ્ટિગેશન વધુ સચોટ અને પારદર્શક બનશે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા