વાંસદા તાલુકા પંચાયતમાં ટીડીઓની બદલી બાદ પણ ‘ટકાવારી’નો મોહ યથાવતના ગંભીર આક્ષેપોથી વહીવટી તંત્રમાં ખળભળાટ.
————

“ટકાવારીની પરંપરા નવી નથી — ભૂતકાળમાં પણ ACBના છટકામાં તા.પં.ના પટાવાળાને બલીનો બકરો બનાવાયો હતો. હાલ કચેરીના મોટા ભાગના વહીવટમાં સંડોવણી હોવાના આક્ષેપો વચ્ચે કોમ્પ્યુટર ઓપરેટર ભાવેશ સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી?”
——-

વાંસદા તાલુકા પંચાયત ફરી એકવાર વિવાદોના વંટોળમાં ઘેરાઈ છે, જ્યાં સત્તા અને ભ્રષ્ટાચારની મિલીભગતની ગંધ હવે સીમાઓ વટાવી રહી હોય તેમ જણાય છે. અગાઉ પણ આંતરિક વિખવાદ અને ‘ટકાવારી રાજ’ માટે બદનામ થયેલી આ પંચાયતમાં હવે બદલી પામેલા અધિકારીઓના મોહપાશની ચોંકાવનારી વિગતો સપાટી પર આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત અહેવાલો અને વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, વાંસદાથી માંડવી ખાતે બદલી પામેલા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી (TDO) વિરુદ્ધ અત્યંત ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. ચર્ચા છે કે હોદ્દો છોડ્યા બાદ પણ સાહેબનો ‘ટકાવારી’ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી અને તેઓ હજુ પણ જૂના મંજૂર થયેલા બિલોમાંથી પોતાના હિસ્સાની વસૂલાત કરવા માટે કથિત રીતે સક્રિય છે.

વહીવટી તંત્રને શરમાવે તેવી આ આખી વ્યવસ્થામાં તાલુકા પંચાયતનો જ એક કોમ્પ્યુટર ઓપરેટર, , મુખ્ય કડી હોવાનું કોન્ટ્રાકટર આલમમાં ચર્ચાઇ રહ્યું છે.

કોન્ટ્રાક્ટર આલમમાં ઉગ્ર ચર્ચા છે કે આ ઓપરેટર સીધો કોન્ટ્રાક્ટરો સાથે સંપર્કમાં રહી, ભૂતકાળમાં પાસ થયેલા બિલોમાંથી ટીડીઓના નામે ઉઘરાણીનું ‘નેટવર્ક’ સંભાળી રહ્યો છે. આક્ષેપો તો ત્યાં સુધી છે કે જો કોન્ટ્રાક્ટરો દ્વારા અંદાજે બે ટકા જેટલી રકમ જમા કરાવવામાં આનાકાની કરવામાં આવે, તો તેમની સામે પઠાણી ઉઘરાણી જેવું દબાણ ઊભું કરવામાં આવે છે.

સરકારી કચેરીમાં બેસીને ચાલતી આ સમાંતર ‘વસૂલાત પ્રણાલી’ને કારણે પ્રમાણિક કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં ભારે રોષ અને નૈતિક પતનનો ભય જોવા મળી રહ્યો છે.આ સમગ્ર પ્રકરણ ‘ભાગબટાઈ’ના ગંદા ખેલ તરફ આંગળી ચીંધે છે, જેમાં બદલી પામેલા અધિકારીઓ પણ દૂર બેસીને વહીવટી તંત્રની તિજોરી પર તરાપ મારી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે.

જો આ આક્ષેપોમાં લેશમાત્ર પણ સત્યતા હશે, તો તે માત્ર વાંસદા તાલુકા પંચાયત માટે જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાના વહીવટી માળખાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર કલંક સમાન સાબિત થશે. હાલ તો આ મામલે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર ‘ટકાવારીના શોખીનો’ સામે કડક કાયદાકીય સકંજો કસાય તેવી લોકમાંગ બળવત્તર બની છે.

હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ ખુલ્લેઆમ ચાલી રહેલા ભ્રષ્ટાચારના ખેલ સામે આંખ આડા કાન કરે છે કે પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા