વાંસદા ઝોનમાંથી વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે રાજેન્દ્રસિંહ પરમારે ઉમેદવારીપત્રક નોંધાવ્યું.

ટ્રેક્ટર રેલીના ગડગડાટ સાથે રાજેન્દ્રસિંહ પરમારે નોંધાવી ઉમેદવારી, ગણદેવી સુગરની ચૂંટણીમાં શક્તિપ્રદર્શનથી રાજકીય ગરમાવો ચરમસીમાએ.

ઢોલ-નગારાના તાલે હજારો સમર્થકો સાથે સેવા સદન પહોંચ્યા; વાંસદા ઝોનમાં ખેડૂત નેતા તરીકે મજબૂત દાવેદારી, ‘રાજુભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના નારાથી ગુંજ્યું વાતાવરણ.


રાજેન્દ્રસિંહ પરમાર ફક્ત વાંસદા ઝોનના ઉમેદવાર જ નહીં પણ હાલ દક્ષિણ ગુજરાતના ખેડૂત નેતા તરીકે ઉભરી રહ્યા હોવાનું સામે આવ્યું.

ગણદેવી સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીને લઈને સહકારી રાજકારણમાં માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે.

મંગળવારે વાંસદા ઝોનમાંથી ઉમેદવારી નોંધાવવા કુકેરી-ધોળીકુવાના ખેડૂત અગ્રણી રાજેન્દ્રસિંહ છોટુસિંહ પરમારે ભવ્ય ટ્રેક્ટર રેલી અને શક્તિપ્રદર્શન સાથે ચિખલી પ્રાંત કચેરીમાં ઉમેદવારીપત્રક રજૂ કરતાં સમગ્ર વિસ્તારનું રાજકારણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે.ધોળીકુવાના ચંચળબા સ્ટેડિયમથી નીકળેલી વિશાળ રેલીમાં ટ્રેક્ટર, કાર અને અન્ય વાહનોનો લાંબો કાફલો જોડાયો હતો. ઢોલ-નગારાના તાલે નીકળેલી આ રેલી મુખ્ય માર્ગો પરથી પસાર થતાં લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખેડૂતો અને સમર્થકો દ્વારા “રાજુભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ”ના ગગનભેદી નારાઓથી સમગ્ર ચિખલી શહેર ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે રાજેન્દ્રસિંહ પરમાર પરિવાર સાથે જાતે ટ્રેક્ટર હંકારી સેવા સદન પહોંચ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો અને સમર્થકો હાજર રહ્યા હતા. બાદમાં તેમણે પ્રાંત અધિકારી સમક્ષ વાંસદા ઝોનમાંથી વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે ઉમેદવારીપત્રક નોંધાવ્યું હતું.

રાજેન્દ્રસિંહ પરમાર વર્ષોથી ખેડૂતોના પ્રશ્નોને લઈને સક્રિય રીતે લડત આપતા આવ્યા છે. ખેડૂતોના હકો અને ન્યાય માટે સતત અવાજ ઉઠાવવાની સાથે તેઓ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ‘રાજુભાઈ’ તરીકે લોકપ્રિય એવા રાજેન્દ્રસિંહને ગણદેવી સુગરની ચૂંટણીમાં ગામે-ગામથી ખેડૂતોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.જ્યારે ઉમેદવારી નોંધાવવાના દિવસે થયેલા ભવ્ય શક્તિપ્રદર્શનને પગલે વાંસદા ઝોનમાં ચૂંટણીનો જંગ વધુ રસાકસીભર્યો બન્યો છે. રાજેન્દ્રસિંહ પરમારના સમર્થકો હવે તેમને ગણદેવી સુગરના બોર્ડમાં મજબૂત પ્રતિનિધિત્વ અપાવવા માટે દિવસ-રાત પ્રચારમાં જોડાઈ ગયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.