
વાંસદા તાલુકામાં વાટી ગામે રૂ. ૧૬.૦૦ કરોડના કામ નુ ભવ્ય ખાતમુહૂર્ત કરાયું
“આઝાદી પછી ખરેખર આજે વાટી ગામ ખરા અર્થમાં આઝાદ થયો મારા માટે આ ઐતિહાસિક ક્ષણ છે “– સાંસદ ધવલ ભાઈ પટેલ

વાંસદા તાલુકાના સર્વાંગી વિકાસને નવી દિશા આપતા વાટી ગામે કાળાઆંબા–વાટી રોડ પર મેજર બ્રિજ તથા સ્લેબ ડ્રેઈનના નિર્માણ કાર્યનું ભવ્ય ખાતમુહૂર્ત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તથા વલસાડ–ડાંગના સાંસદ ધવલભાઈ એલ. પટેલના હસ્તે યોજાયું હતું. કુલ રૂ. ૧૬.૦૦ કરોડના ખર્ચે હાથ ધરાયેલ આ વિકાસકાર્ય વિસ્તાર માટે ઐતિહાસિક ક્ષણ બની રહ્યું છે.
વર્ષોથી પુલના અભાવે વાટી અને કાળાઆંબા ગામના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
સાંસદ ચૂંટણી દરમિયાન બંને ગામના લોકોએ સમસ્યાના નિવારણ માટે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તે સમયે જિલ્લા મન કી વાતના સંયોજક ડૉ. લોચન શાસ્ત્રી તથા સાંસદ પદના ઉમેદવાર ધવલભાઈ પટેલ ગામજનો સાથે રૂબરૂ મળ્યા હતા અને પુલ નિર્માણ કરવાની ખાતરી આપી હતી. સાંસદ તરીકે ચૂંટાયા બાદ ધવલભાઈ પટેલે આપેલ વચનને પ્રાથમિકતા આપી સતત પ્રયાસો હાથ ધર્યા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તથા ડાંગના ધારાસભ્ય અને વિધાનસભા દંડક વિજયભાઈ પટેલ સમક્ષ અનેક રજૂઆતો કરી કામને મંજૂરી અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેના પરિણામે આજે વાટી અને કાળાઆંબા ગામોને જોડતો પુલ સાકાર થવા જઈ રહ્યો છે, જેને લોકો વિશ્વાસના વિજય તરીકે જોઈ રહ્યા છે.
“Construction of Major Bridge & Slab Drain કાળાઆંબા–વાટી રોડ, તા. વાંસદા, જિ. નવસારી (ચે. ૦/૪ થી ૦/૬ અને ચે. ૪/૮ થી ૫/૦)” અંતર્ગત બનનાર આ બ્રિજ આઝાદી બાદ પ્રથમ વખત નિર્માણ પામશે.
પુલના નિર્માણથી અંતરિયાળ આદિવાસી અને ડુંગરાળ વિસ્તારને તાલુકા તથા જિલ્લા મથક સાથે સીધી જોડાણ સુવિધા મળશે, જેના કારણે વાહનવ્યવહાર સરળ બનશે, ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થશે તેમજ શિક્ષણ, આરોગ્ય અને રોજગારી સુધી પહોંચ વધુ સુગમ બનશે.
કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ તથા ધારાસભ્ય વિજયભાઈ પટેલના વરદ હસ્તે ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે સાંસદ ધવલભાઈ પટેલ અંબિકા નદીમાં ઉતરી નદીને પ્રણામ કરતા ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. વાટી અને કાળાઆંબા ગામના લોકોમાં ખુશી અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો તથા ખાતમુહૂર્ત કાર્યક્રમની તૈયારીઓ ગ્રામજનોએ સ્વયં સંભાળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત વિધિવત પૂજા-અર્ચના, દીપ પ્રાગટ્ય, સ્વાગત અને સન્માન વિધિથી કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા સંગઠન પ્રમુખ સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલ, નવસારી જિલ્લા સંગઠન મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રી તથા ડાંગ વિધાનસભા ધારાસભ્ય અને વિધાનસભા દંડક વિજયભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી વિકાસલક્ષી વિચારો રજૂ કર્યા. સાંસદ ધવલભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ પુલ વિસ્તારના લોકોના વર્ષોથી ચાલતા સંઘર્ષનો અંત લાવશે, જ્યારે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું અને પુલનું નિર્માણ આગામી ૧૫ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે તેવી જાહેરાત કરતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. લોચન શાસ્ત્રી, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી દીપ્તિબેન પટેલ, સ્થાનિક સરપંચો, આગેવાનો, માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પંચાયત નવસારીની પેટા કચેરી વાંસદાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા કામની ટેકનિકલ વિગતો આપવામાં આવી હતી. નવા બ્રિજના નિર્માણથી વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે અને આ પ્રોજેક્ટ આર્થિક તથા સામાજિક પ્રગતિ માટે પથપ્રદર્શક સાબિત થશે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
