ગોધરા તાલુકાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય મોટિવેશનલ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓને તેમની સિદ્ધિઓ બદલ સન્માનિત કરવાનો અને સમાજમાં શિક્ષણ તથા પ્રગતિને પ્રોત્સાહન આપવાનો હતો.
આ સમારોહમાં ધોરણ ૧૦ અને ૧૨ માં ૬૫% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ, રમતગમત ક્ષેત્રે નામના મેળવનાર ખેલાડીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરનાર ઉમેદવારો, નવી નોકરી મેળવનાર યુવાનો તેમજ નોકરીમાં ઉચ્ચ પદ પર બઢતી મેળવનાર સમાજના સભ્યોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમને પુસ્તકો, એવોર્ડ અને પ્રમાણપત્રો આપીને તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજમાં રહેલા ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને યુવા ભાઈઓ-બહેનોને પ્રેરણાદાયી વક્તવ્યો આપવામાં આવ્યા હતા. આ વક્તવ્યોમાં સમૂહ લગ્નો દ્વારા કઈ રીતે આર્થિક બચત કરી સમાજને આગળ લાવી શકાય, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મંડળનું યોગદાન, અને વાંચન માટે લાઇબ્રેરી જેવી સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ટ્રસ્ટ દ્વારા સમાજના મધ્યમ વર્ગના લોકોને અપાતી મદદ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી, જે સમાજમાં શિક્ષણ અને વિકાસ માટે ટ્રસ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ દિનેશસિંહ પરમાર, ઉપપ્રમુખ નિલેશસિંહ ઝાલા, મંત્રી કિશોરસિંહ ચૌહાણ, ખજાનચી હસમુખસિંહ સોલંકી અને મહિલા ગ્રુપ એડમિન હંસાબા ચૌહાણ સહિતના પદાધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રણજીતસિંહ પરમાર દ્વારા સુચારુરૂપે કરવામાં આવ્યું હતું.
TODAY 9 SANDESH NEWS
CHIEF એડિટર – અમિત મૈસુરીયા